અમેરિકામાં પકડાયેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સમાં ભારતીયો ચોથા ક્રમે

યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)નો નાણા વર્ષ 2024નો વાર્ષિક રીપોર્ટ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્શન અને તેનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ICEના જણાવ્યાનુસાર હાલમાં 2647 ભારતીય નાગરિકો અમેરિકાની જેલોમાં કેદ છે, રાષ્ટ્રીયતાના આધારે મેક્સિકો, હોંડુરાસ તથા ગ્વાટેમાલા પછી ચોથા ક્રમનું અટકાયતી જૂથ ભારતીયોનું બની રહ્યું છે.

આ ઉપરાંત ફાઇનલ રીમૂવલ ઓર્ડર ધરાવતાં 17940 ભારતીય નાગરિકો ICEની નોન-ડિટેઇન લિસ્ટમાં છે, કે જેઓ રીમૂવલની પ્રતિક્ષા માટે દેખરેખ હેઠળ છે. ભારતીય નાગરિકોના ડિપોર્ટેશનમાં પણ વૃદ્ધિ થઇ છે, નાણાકીય વર્ષ 2024માં 1529 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરાયા હતાં જેની સરખામણીએ નાણાકીય વર્ષ 2021માં આ સંખ્યા ફક્ત 292 હતી. તમામ રાષ્ટ્રીયતાઓમાં આઈસીઇના કુલ ડિપોર્ટેશનમાં પણ વૃદ્ધિ થઇ હતી, જે આંકડો નાણાકીય વર્ષ 2021ના 59011 ની તુલનાએ આ નાણાકીય વર્ષમાં તે 271,484 પર પહોંચી ગયો હતો.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ડેટામાં જણાવાયું હતું કે ફેબ્રુઆરી 2019 અને માર્ચ 2023ની વચ્ચે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસમાં 1,49,000 ભારતીયોની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત આ વધતી જતી સમસ્યા દરમિયાન 1600થી વધારે લોકો અમેરિકાની ઊત્તરીય સીમા પાર કરી ગયાં હતાં. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર આમાના ઘણા ભારતીય ઇમિગ્રન્ટ્સ આર્થિક કારણોસર દેશમાં પ્રવેશ કરે છે, જો કે તેઓ આશ્રય મેળવવાની લાયકાત ધરાવતાં હોતા નથી. અખબારે જણાવ્યું હતું કે આ ઈમિગ્રન્ટ્સ માટે એક મહત્વપુર્ણ પ્રેરક કારણ અન્ય ભારતીયોનો પ્રભાવ છે જેમણે આ પ્રકારે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશી સફળતાપૂર્વક રોજગાર પ્રાપ્ત કર્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *